Thursday, January 23, 2014

ચૂંટણી ચિહ્ન વિરુદ્ધ મોદી



હવે તમને નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા એક એવા સમાચાર જણાવીએ જે સાંભળીને તમે ચોંકી જશો. મોદીની લોકપ્રિયતા સાતમા આસમાન પર છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મોદી પક્ષના કોઈ અન્ય નેતા કરતાં જ નહીં, પણ પક્ષ કરતાં પણ મોટા થઈ ગયા છે. યુવાનોમાં તો મોદીને જ આશાનું એકમાત્ર કિરણ નજરે પડી રહ્યું છે. પરંતુ ભાજપના એક સર્વેમાં રહસ્યપૂર્ણ વાત એ માલૂમ પડી છે કે મોદીના દીવાના અનેક યુવા મતદારોને એ જ ખબર નથી કે મોદી કયા પક્ષના છે અને તેમના પક્ષનું ચૂંટણી પ્રતીક કયું છે. બધો જ આધાર ચૂંટણી પ્રતીક પર હોય છે, આથી હવે પક્ષે તેના ચૂંટણી પ્રતીકને લોકપ્રિય કરવા માટે ખાસ અભિયાન છેડવાનો નિર્ણય લીધો છે.

- ભગતને બધા ભૂલી ગયા

સંસદીય પરંપરાઓ જાળવવામાં અડવાણીને સમકક્ષ કોઈ ન આવે. આજ સુધી અનેક વાર એવું બની ચૂક્યું છે કે જૂના નેતાઓને યાદ કરવા માટે સંસદ પરિસરમાં કાર્યક્રમ થયા, પરંતુ કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં જોવા મળ્યા નહીં. ઘણી વાર તો સચિવાલય સુધીના અધિકારીઓ ગેરહાજર રહ્યા છે. પરંતુ અડવાણીજી ભાગ્યે જ કોઈ સંસદીય કાર્યક્રમમાં અને ખાસ કરીને જૂના નેતાઓને યાદ કરવામાં સામેલ નહીં હોય. ૭ ઓક્ટોબરે ભૂતપૂર્વ સ્પીકર બલિરામ ભગતની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો. ભગત યોગ્ય વ્યક્તિ હતા, ઈમરજન્સીમાં સ્પીકર રહ્યા હતા અને રાજીવ ગાંધી સરકારમાં વિદેશ મંત્રી હતા. પરંતુ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં માત્ર અડવાણી જ આવ્યા હતા. બાકી કોઈ નેતા, સાંસદ, સ્પીકર કે અધિકારી જોવા ન મળ્યા.

- જ્યાં મસ્તી, ત્યાં અમે

લોકસભાવાળા દરેક કાર્યક્રમ આવી જ રીતે ચૂકી જાય છે તેવું નથી. મોજમસ્તીનો કાર્યક્રમ ગોઠવો, પછી જુઓ કે કેવા જોરશોરથી આ બધા સાંસદો દોડી જાય છે. મોટાભાગની સરકારી વિદેશ યાત્રાઓ આજકાલ બંધ છે. લોકસભા સચિવાલય સિવાય. તેમાં પણ પાંચ મેમ્બરવાળા પ્રતિનિધિમંડળ સાથે લોકસભા સચિવાલયના સાત અધિકારી જાય છે. રહી વાત સ્પીકર મેડમની, તો તેમના માટે તો બે લોકો અંગત સ્ટાફ માટે પણ જાય છે. નોકરી હોય તો આવી.

- અને બર્થ ડે ઊજવી શકાયો નહીં

તમે તો જાણો જ છો કે વડાપ્રધાન પ્રેસ સાથે વિસ્તૃત વાત મોટાભાગે વિદેશથી પરત આવતી વખતે તેમના વિશેષ વિમાનમાં કરે છે. બીજી તરફ સંયક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાની વાર્ષિ‌ક બેઠક પણ વડાપ્રધાનના જન્મદિવસની આસપાસ જ હોય છે. આ રીતે વડાપ્રધાનની પ્રેસ સાથેની વાતચીત અને હેપ્પી બર્થ ડે બન્ને અનેક વાર વિમાનમાં જ ચાલતા હોય છે. અને કુલ મળીને વડાપ્રધાનના જન્મદિવસની આસપાસનો સમય સારો હોય છે. પરંતુ આ વખતે સંયોગ કંઈક સારા ન હતા. અહીં રાહુલ ગાંધીનું વટહુકમ ફાડી નાખવાનું નિવેદન થયું, નવાઝ શરીફે દેહાતી જ્ઞાન આપ્યું અને બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં બે ત્રાસવાદી હુમલા થયા. આ હુમલાના સમાચાર મળતા જ વડાપ્રધાને પત્રકારો સાથે જન્મદિવસ ઊજવવાનો નિર્ણય માંડી વાળ્યો. પત્રકારોએ જ તેમને એક સંયુક્ત શુભકામના કાર્ડ ભેટ આપ્યું.

0 comments:

Post a Comment