Thursday, January 23, 2014

ધરણાના ડ્રામા માટે કેજરીવાલને થઈ શકે છે અઢી વર્ષની સજા!



આઈપીસીની કલમ 186 અને 133ના ભંગની નોંધાઈ ફરિયાદ
31 લોકોને પહોંચી હતી ઈજા

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના 32 કલાકના હાઈવોલ્ટેજ-ડ્રામાનો મંગળવારે સાંજે નાટકીય રીતે અંત આવ્યો હતો. અંતે બુધવારે સવારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ભારતીય દંડસંહિતાની કલમ 186 અને 133 હેઠળ ફરિયાદ નોંધાવી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કાયદાપ્રધાન સોમનાથ ભારતીએ તાજેતરમાં કેટલાક કાયદાઓનો ભંગ કર્યો હતો. જે હેઠળ કેજરીવાલને કમ સે કમ અઢી વર્ષ સુધીની સજા થઈ શકે છે.

રેલભવની બહાર પોલીસ સાથે થયેલી હિંસક અથડામણના સંદર્ભમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં લગભગ 31 લોકોને ઈજા પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ કેસ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને નોંધવામાં આવ્યો હતો. ઉપ-રાજ્યપાલની દરમિયાનગીરી બાદ દિલ્હીના મુખ્યપ્રધાને ધરણા સમાપ્ત કર્યા હતા. બાદમાં પોલીસે આ ફરિયાદ દાખલ કરી છે.

મહિલા સંગઠનોનો દિલ્હીના મુખ્યપ્રધાનને ખુલ્લો પત્ર

કેટલાક મહિલા સંગઠનોએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં માંગ કરી છે કે તેમના કાયદાપ્રધાન સોમનાથ ભારતી સામે કાર્યવાહી કરવામાં આવે. ભારતીએ જનતા રેડ દરમિયાન મહિલા સાથે કથિત ગેરવર્તાવ કર્યો હતો અને તેમણે ભાષા પરથી સંયમ ગુમાવ્યો હતો.

31 લોકોને પહોંચી ઈજા

મંગળવારે રેલભવન અને રફી માર્ગ ખાતે આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. કાર્યકરો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે દિલ્હી પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ઈજાગ્રસ્તોમાં 19 પોલીસ કર્મચીઓ, એક પત્રકાર, તથા 15 સામાન્ય જનતાનો સમાવેશ થાય છે. એકપણની સ્થિતિ ગંભીર નથી. રેલભવન ખાતે થયેલી અથડામણમાં કાર્યકરોએ બેરિકેડિંગ છતાં ધરણાસ્થળ સુધી જવાની જીદ કરી હતી. આઈ કાર્ડ દેખાડવા છતાં પોલીસે પત્રકારને ફટકાર્યો હતો. 

0 comments:

Post a Comment